મુખ્ય સામગ્રી પર જાઓ

બચપન બચાઓ

લોકો માટે બધું ખૂલી ગયું, પણ બાળકોની દુનિયા એટલે કે તેમની સ્કૂલ હજી બંધ છે. ઘર ચાર દીવાલોમાં બાળકો ઘણાં ગૂંગળાયાં અને તેમનો વિકાસ રૂંધાયો. આવતી કાલે ચિલ્ડ્રન્સ ડેની ઉજવણી કરીએ એ પહેલાં તાગ મેળવીએ કે પૅન્ડેમિકની બાળકો ઉપર કેવી અને કેટલી અસર થઈ છે. 

ચૌદમી નવેમ્બરે ભારતમાં અને વીસમી નવેમ્બરે વિશ્વમાં બાળ દિવસની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે યુનિસેફ ઇન્ડિયાએ સેફ સ્કૂલ રી-ઓપનિંગની માગણી કરી છે. આ વર્ષની થીમ છે બાળકોને પૅન્ડેમિકને કારણે આવેલી બાધાઓ અને શિક્ષામાં થયેલા નુકસાનને પહોંચી વળવા માટે મદદ કરવી. છેલ્લાં બે વર્ષથી બાળકો સ્કૂલથી વંચિત રહ્યાં છે. ઑનલાઇન શિક્ષણે ‘ન મામા કરતાં કહેણા મામા સારા’ની ગરજ સારી છે પરંતુ અમુક કેસમાં આ સોલ્યુશને પ્રૉબ્લેમ્સને ઓછા કરવા કરતાં વધાર્યા છે. મિત્રોના સાથ વગર, શિક્ષકોની હૂંફ વગર, ઘરની ચાર દીવાલો વચ્ચે મોટા ભાગે ઇન્ડોર ઍક્ટિવિટી કરીને, ગૅજેટ્સની નિર્જીવ દુનિયા વચ્ચે બાળપણ ખૂબ ગૂંગળાયું છે. લગભગ દરેક પેરન્ટે તેના બાળકમાં અમુક એવા અનિચ્છનીય બદલાવ જોયા છે જે સામાન્ય પરિસ્થિતિમાં આવવાની કોઈ શક્યતા નહોતી. એમાં પણ મુંબઈ અને મહારાષ્ટ્રનાં બાળકોની હાલત વધુ ખરાબ છે, કારણ કે આપણે ત્યાં હજી હમણાં જ આઠમાથી બારમા ધોરણની સ્કૂલ્સ માંડ ખૂલી શકી છે. સ્કૂલનું મહત્ત્વ આશા છે કે નજીકના ભવિષ્યમાં દરેક ઉંમરનાં બાળકો માટે સ્કૂલ ખૂલી જાય, કારણ કે સ્કૂલ બાળકો માટે ફક્ત સ્કૂલ નથી. 

આ વાતને ભારપૂર્વક જણાવતાં જમનાબાઈ નરસી સ્કૂલ, જુહુનાં પ્રિન્સિપાલ ઝીનત ભોજાભોય કહે છે, ‘બાળકો માટે સ્કૂલ તેમની દુનિયા હોય છે. એ દુનિયાના દરવાજા બંધ થઈ જવા એ કંઈ નાની ઘટના નથી. બાળકો માટે સ્કૂલ તેમના ઘડતરનું અવિભાજ્ય અંગ છે જ્યાં એ હસી શકે છે, ખીલી શકે છે, વિકસી શકે છે. ત્યાં તેને હમઉમ્ર બાળકોનો સાથ મળે છે, જે ખૂબ જરૂરી છે જે આ બે વર્ષથી મિસિંગ હતું. કેટલાંક બાળકોનો ભણવામાંથી રસ જ ઊડી ગયો છે, કારણ કે પેરન્ટ્સ ટીચર્સની કમી પૂરી નથી કરી શકવાના. લર્નિંગમાં મજા ન આવે તો એ છૂટી જ જાયને. ઘણાં અત્યંત હોશિયાર બાળકો ભણવા પ્રત્યે સાવ ઉદાસીન થઈ ગયાં છે. આ બધાનો એક જ ઇલાજ છે કે દરેક ઉંમરનાં બધાં જ બાળકો માટે સ્કૂલ શરૂ થઈ જાય.’ 

શારીરિક તકલીફો છેલ્લાં બે વર્ષમાં બાળકોની તકલીફોને જો જુદી-જુદી કૅટેગરીમાં વહેંચીએ તો સૌથી પહેલી વાત શારીરિક તકલીફોની. ઘરમાં બાળકોએ બેઠાડુ જીવન જ જીવ્યું છે, જેને લીધે મોટા ભાગનાં બાળકો ઓબીસ બની ગયાં છે. આળસ ખૂબ વધી ગઈ છે. ઍક્ટિવિટી ખૂબ ઘટી ગઈ છે. વિટામિન Dની ભારોભાર ઊણપ અને સ્નાયુઓનું ડેવલપમેન્ટ ખોરવાયું છે. ઊંઘની તકલીફો પણ છે. મોડા સૂવું અને મોડા ઊઠવું, રાત્રે વારંવાર ઊંઘ ઊડી જવી; જેને કારણે પ્યુબર્ટી જલદી આવવાની તકલીફો ચાલુ થઈ ગઈ છે. આઉટડોર ગેમ્સ બધી બંધ થઈ ગઈ છે. ગરીબ ઘરનાં બાળકો કુપોષણનો શિકાર બની ગયાં છે. કમ્યુનિકેશનની તકલીફો માણસનો સ્વભાવ છે કે એ સૌથી વધુ શૅર એની ઉંમરના લોકો સાથે જ કરે છે. હમઉમ્ર લોકો સાથે માણસ જેટલો ખૂલે છે એટલો તે કોઈ પાસે નથી ખૂલી શકતો. 

એ બાબતે વાત કરતાં અર્લી ચાઇલ્ડહુડ અસોસિએશન અને પોદાર એજ્યુકેશન નેટવર્કનાં પ્રેસિડન્ટ ડૉ. સ્વાતિ પોપટ વત્સ કહે છે, ‘ઘરમાં ગમે તેટલા લોકો હોય, પણ દરેક પોતાની દુનિયામાં વ્યસ્ત જ હોવાનું. બાળક સાથે અલકમલકની વાતો કરવાનો અઢળક સમય ઘરમાં કોની પાસે હોય? નોટિસ કરશો તો સમજાશે કે બે વર્ષની અંદર બાળકો ખૂબ ઓછું બોલતાં થઈ ગયાં છે. ઇન્ટ્રોવર્ટ અને શરમાળ બની ગયાં છે. ઘણાએ તો ખુદ સાથે વાતો કરવાનું પણ મૂકી દીધું છે. તેમની જે ગૂંગળામણ છે એ બહાર ન ઠાલવી શકવાને કારણે તેઓ માનસિક રીતે બીમાર બની રહ્યાં છે.’ 

ઇમોશનલ પ્રૉબ્લેમ્સ મોટા ભાગનાં બાળકો ઘરમાં એકલાં પડી ગયાં છે. ગૅજેટ્સમાં ઘૂસેલાં રહે છે, ઇમોશન્સ અનુભવવાનો અને ઠાલવવાનો તેમને મોકો નથી મળી રહ્યો. જોકે જ્યારે આપણે બાળકોની વાત કરીએ છીએ ત્યારે ફક્ત સારા ઘરનાં બાળકોની જ વાત ન થઈ શકે. સમાજના ખૂણે-ખૂણે વસતા બાળકને એમાં ઉમેરવાં પડે. એ બાબતે ડૉ. સ્વાતિ પોપટ વત્સ કહે છે, ‘પૅન્ડેમિકમાં ઘણાં ઘરોમાં ફાઇનૅન્શિયલ ક્રાઇસિસને કારણે ઝઘડાઓ અને મારપીટ વધ્યા છે. બાળકો બિચારાં સૌથી નાનાં અને નિ:સહાય હોવાને કારણે મારપીટનો ભોગ એ લોકો જ બનતાં હોય છે. ઘણાએ પોતાની માને માર ખાતી જોઈ છે. એને કારણે પથારી ભીની કરવી કે નખ ચાવવા જેવી આદતોનું પ્રમાણ વધ્યું છે.’ 

માનસિક પ્રૉબ્લેમ્સ આપણે ત્યાં કોઈ સમજી નથી શકતું અને સમજે છે તો સ્વીકારી નથી શકતું કે માનસિક રોગ બાળકોને પણ હોઈ શકે છે. જોકે એ વાત પણ હકીકત છે કે મોટામાં મોટા બદલાવને ખૂબ સારી રીતે અપનાવીને સ્ટ્રૉન્ગલી ટકી રહેવાની હિંમત પણ જે બાળકોમાં હોય છે એ કોઈનામાં નથી હોતી. પણ છેલ્લાં દોઢ-બે વર્ષમાં બાળકો પર ઘણું વીત્યું છે, જેને કારણે તેમના કોમળ મન પર ઘણી અસર પણ થઈ છે. 

એ વિશે વાત કરતાં જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. કેરસી ચાવડા કહે છે, ‘બાળકોએ ઘરમાં ઘણું ટેન્શન, અગ્રેશન અને ફ્રસ્ટ્રેશન જોયું છે. ઘણાં એનો ભોગ પણ બન્યાં છે, જેને લીધે ઘણાં બાળકો ડિપ્રેશન અને ઍન્ગ્ઝાયટીના શિકાર બન્યાં છે. ઘણાં બાળકો પૅનિક કરતાં થઈ ગયાં છે. તો અમુક કેસ અમારી પાસે અટેન્શન પ્રૉબ્લેમના પણ આવે છે. બાળકો જે કામ કરે છે તેમનું એમાં ધ્યાન જ નથી હોતું. આમાં એક વાત સમજવા જેવી છે કે જો સ્કૂલ ચાલુ થશે તો આમાંથી ઘણા પ્રૉબ્લેમ્સ ધીમે-ધીમે એની મેળે સૉલ્વ થશે.’ 

ઉપાય માટે શું કરવું? 

બાળકોને હાલની સ્થિતિમાંથી ઉગારવાનો ઉપાય શું? હવે સ્કૂલો ખૂલવાની છે ત્યારે પેરન્ટ્સ અને શિક્ષકોએ કેવી કાળજી રાખવી એ જાણીએ ઝીનત ભોજાભોય અને ડૉ. સ્વાતિ પોપટ વત્સ પાસેથી. 
*ઘણાં બાળકો છે સ્કૂલે આવવા માટે તલપાપડ છે અને ઘણાં બાળકો છે હવે સ્કૂલે આવવા જ નથી માગતાં. આ બન્ને વચ્ચેનું બૅલૅન્સ સ્કૂલે સ્થાપવાનું છે. બાળકો એકદમ પહેલા દિવસથી જ નૉર્મલ થઈ જશે એવું નથી. તેમને સમય આપવો પડશે.
 *જે બાળકો અત્યારે સ્કૂલે જાય છે તેમને પણ રૂટીનમાં આવતા ૮-૧૦ દિવસ થયા. સ્કૂલોએ તેમને આવકારવાં. બાળકો એકબીજા સાથે સમય વિતાવી શકે, વાતો કરી શકે, હળવાં થઈ શકે એવી ઍક્ટિવિટીનું આયોજન કરવું જોઈએ. એની તેમને ભરપૂર જરૂરત છે.
 *સામાન્ય રીતે સ્કૂલોમાં કડક શિસ્તનો આગ્રહ રખાય છે પરંતુ એ કડકાઈ થોડી છોડીને બાળકો ટ્રૅક પર આવે એની રાહ જોવી. 
*બે વર્ષમાં જેટલું રહી ગયું છે એ ધડ-ધડ ભણાવીને એકી સાથે કોર્સ પૂરો કરવાની ખોટી ઉતાવળ બાળકોને ભણતરથી વધુ દૂર લઈ જશે એથી શાંતિ રાખવી.
 *કોર્સ પૂરા કરવા કરતાં લર્નિંગ તરફ તેમનો રસ ફરીથી જન્માવવાની જવાબદારી સ્કૂલની છે. એક વખત રસ આવશે પછી ગાડી ફુલ સ્પીડમાં ભાગશે. 
*માતા-પિતા પણ બાળકોને રૅટ રેસમાં ન જોડે કે હવે તો તું ભણવા જ માંડ. એક્ઝામમાં સારા માર્ક્સ આવવા જ જોઈએ એવા દુરાગ્રહ ન રાખવા. બે વર્ષમાં જે તકલીફો ઊભી થઈ છે એ દૂર થતાં બે વર્ષ બીજાં ધીરજ રાખવી જરૂરી છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ડૉક્ટર બનવા યુક્રેન અને રશિયા કેમ જવું પડે છે?

  હાલમાં ચાલી રહેલા યુદ્ધના માહોલમાં મેડિસિનનું ભણવા ગયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓને પાછા લાવવાનું મિશન જોરશોરથી ચાલી રહ્યું છે ત્યારે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે કેમ હજારો યુવાનો માટે યુક્રેન , રશિયા , કઝાખસ્તાન , ફિલિપીન્સ અને બેલારૂસ જેવા દેશો ડૉક્ટર બનવાનું સપનું પૂરું કરવાનાં ધામ છે.   યુક્રેનના વિદ્યાર્થીઓને માઇનસ ત્રણ ડિગ્રીમાં રોડ પર ઠૂંઠવાતા અને યુક્રેનના પોલીસ કર્મચારીઓ દ્વારા માર ખાતા જોઈને ભલભલા માતા-પિતા વિચારમાં પડી જાય કે આવા દેશમાં પોતાનાં દીકરા-દીકરીને ભણવા મોકલવાં કે નહીં. યુક્રેન , રશિયા , કઝાખસ્તાન , ફિલિપીન્સ , બેલારૂસ જેવા દેશોમાં ભારતના હજારો યુવાનો ડૉક્ટર બનવા માટે જાય છે. એવાં કયાં કારણો હશે કે ભારતથી ફક્ત મેડિસિન ભણવા માટે આ યુવાનો ૬ વર્ષ માટે ત્યાં શિફ્ટ થાય છે ? એવું તો શું છે યુક્રેન , રશિયા જેવાં દેશોમાં કે ત્યાં યુવાનો તેમનું ડૉક્ટર બનવાનું સપનું પૂરું કરવા જાય છે ?  ડૉક્ટર બનવાનું સપનું   પહેલો પ્રૉબ્લેમ છે ડૉક્ટર બનવાનું ઘેલું. ભારતમાં આજે પણ ઘણા માતા-પિતા તેમના સંતાનને ડૉક્ટર જ બનાવવા માગે છે. બીજા પ્રોફેશન્સ કે કરીઅર ઑપ્શન વિશે...

પશુઓ માટે હું અવાજ ઉઠાવીશ

  એવું કહેનારી ફોર્ટની સ્નેહા વિસરિયાએ પ્રાણીઓ સામે થતા અન્યાય વિરુદ્ધ અનેક ફરિયાદો કરી છે. દોઢસોથી વધુ પ્રાણીઓને ખવડાવવા માટે રાતના દસથી એક-બે વાગ્યા સુધી ફોર્ટમાં ઘૂમતી સ્નેહા ઘાયલ પ્રાણીઓની સારવાર કરવા ને રેસ્ક્યુ કરવા માટે ખડેપગે રહે છે.   ‘ તમે સામાન્ય જીવન જીવતા હો પરંતુ જીવન તમને કઈ દિશામાં લઈ જાય છે અને તમને એ સમજાય કે ખરા અર્થમાં તમે શું કરવા માગો છો એનું નામ જ સંજોગ. હું નસીબદાર છું કે જીવને આવો સંજોગ મારા માટે જન્માવ્યો અને મને સમજાયું કે હું મૂંગાં પશુઓ માટે કંઈક નહીં , ઘણુંબધું કરવા માગું છું.’   આ શબ્દો છે વીટી રોડ પાસે રહેતી ૩૭ વર્ષની સ્નેહા વિસરિયાના જે દરરોજ ફોર્ટ વિસ્તારમાં રાત્રે ૧૦થી લગભગ એક વાગ્યા સુધી મૂંગાં પશુઓને ભોજન આપવાનું કામ કરે છે. છેલ્લાં બે વર્ષથી એ લગભગ શેરીમાં રખડતા ૬૦ કૂતરાઓ અને ૧૦૦થી પણ વધુ બિલાડીઓને ખવડાવે છે. આ સિવાય પ્રેગ્નન્ટ પ્રાણીઓની કાળજી , એમનાં જન્મેલાં બચ્ચાંનું અડૉપ્શન , ઘાયલ થયેલાં પ્રાણીઓની સારવાર અને દેખરેખ , પ્રાણીઓ અને પક્ષીઓને રેસ્ક્યુ કરવાં , પ્રાણીઓ પર થતા અન્યાય સામે કાનૂની લડત માટે પોલીસ સ્ટેશનમાં ચક્કર કાપવામાં...

જૂની લાઇબ્રેરીઓને સાચવવાની જહેમત

  આજના ઇન્ટરનેટના જમાનામાં જ્યાં લાઇબ્રેરીઓ તરફ લોકોને રસ ઘટતો જાય છે ત્યારે ફન્ડના અભાવને કારણે ખખડી ગયેલી લાઇબ્રેરીઓને ટકાવવાનો સંઘર્ષ કરવો પડે એમ છે. મુંબઈમાં જ્યાં ૧૦૦-૨૦૦ વર્ષ જૂની લાઇબ્રેરીઓ છે ત્યાં એનાં હેરિટેજ બિલ્ડિંગ અને જૂનાં પુસ્તકોને સાચવવા માટેની જદ્દોજહદનો એક અલગ જ જંગ છે. આજે જાણીએ મુંબઈની જૂની લાઇબ્રેરીઓના પ્રશ્નો અને એમના પ્રયાસો વિશે થોડા દિવસ પહેલાં જ સમાચાર આવેલા કે મુંબઈ યુનિવર્સિટીના કાલિના કૅમ્પસમાં આવેલી જવાહરલાલ નેહરુ લાઇબ્રેરી ખરાબ પરિસ્થિતિમાં છે. એના બિલ્ડિંગમાં રિપેરકામની સખત   જરૂરિયાત છે. લાઇબ્રેરીની બુક્સ અને રિસર્ચ પેપર જુદા-જુદા કૉર્નર્સમાં ખૂબ ખરાબ અવસ્થામાં પડ્યાં છે જેમાંથી કેટલાકને તો ઊધઈ ખાઈ રહી છે. યુનિવર્સિટીની લાઇબ્રેરી માટે નવું બિલ્ડિંગ છેલ્લાં ૪ વર્ષથી તૈયાર હોવા છતાં ત્યાં શિફ્ટ થવાના કોઈ આસાર હજી સુધી દેખાયા નથી. કોરોનાકાળ પછી હવે જ્યારે કૉલેજો બરાબર ખૂલી ગઈ છે ત્યારે વિદ્યાર્થીઓ વધુ માત્રામાં લાઇબ્રેરીમાં આવી રહ્યા છે અને લાઇબ્રેરીની આ ખસ્તા હાલત એમની સુરક્ષા અને સુવિધા પર પણ સવાલ ઉઠાવે છે. તિરાડવાળી દીવાલો , પડું-પડું થતી ...