મુખ્ય સામગ્રી પર જાઓ

ડૉક્ટર બનવા યુક્રેન અને રશિયા કેમ જવું પડે છે?

 

હાલમાં ચાલી રહેલા યુદ્ધના માહોલમાં મેડિસિનનું ભણવા ગયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓને પાછા લાવવાનું મિશન જોરશોરથી ચાલી રહ્યું છે ત્યારે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે કેમ હજારો યુવાનો માટે યુક્રેન, રશિયા, કઝાખસ્તાન, ફિલિપીન્સ અને બેલારૂસ જેવા દેશો ડૉક્ટર બનવાનું સપનું પૂરું કરવાનાં ધામ છે.  

યુક્રેનના વિદ્યાર્થીઓને માઇનસ ત્રણ ડિગ્રીમાં રોડ પર ઠૂંઠવાતા અને યુક્રેનના પોલીસ કર્મચારીઓ દ્વારા માર ખાતા જોઈને ભલભલા માતા-પિતા વિચારમાં પડી જાય કે આવા દેશમાં પોતાનાં દીકરા-દીકરીને ભણવા મોકલવાં કે નહીં. યુક્રેન, રશિયા, કઝાખસ્તાન, ફિલિપીન્સ, બેલારૂસ જેવા દેશોમાં ભારતના હજારો યુવાનો ડૉક્ટર બનવા માટે જાય છે. એવાં કયાં કારણો હશે કે ભારતથી ફક્ત મેડિસિન ભણવા માટે આ યુવાનો ૬ વર્ષ માટે ત્યાં શિફ્ટ થાય છે? એવું તો શું છે યુક્રેન, રશિયા જેવાં દેશોમાં કે ત્યાં યુવાનો તેમનું ડૉક્ટર બનવાનું સપનું પૂરું કરવા જાય છે


ડૉક્ટર બનવાનું સપનું 
પહેલો પ્રૉબ્લેમ છે ડૉક્ટર બનવાનું ઘેલું. ભારતમાં આજે પણ ઘણા માતા-પિતા તેમના સંતાનને ડૉક્ટર જ બનાવવા માગે છે. બીજા પ્રોફેશન્સ કે કરીઅર ઑપ્શન વિશે નાનપણમાં વાત થતી જ નથી. ઘણા યુવાનો આને કારણે નાનપણથી આંખમાં સપનું સજાવીને બેઠા હોય છે કે મારે તો ડૉક્ટર જ બનવું છે, પરંતુ ડૉક્ટર બનવા માટે જેટલી ટકાવારી જોઈએ એ બધાને આવતી નથી અને ત્યાંથી તકલીફ શરૂ થાય છે. નાનપણમાં જોયેલાં સપનાંને સાકાર કરવા વ્યક્તિ બધા જ પ્રયાસ કરી છૂટે એ સહજ છે. સુરતની પૂજા પટેલ યુક્રેનની બુકોવિનિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી, ચર્નિવત્સીમાં પહેલા વર્ષમાં છે જે હજી ડિસેમ્બર મહિનામાં જ ત્યાં ગઈ હતી અને હાલમાં જ પાછી આવી છે. તેના બૅન્કર પિતા અશોકભાઈ કહે છે, ‘મારી દીકરીનું નાનપણથી જ એક સપનું હતું કે મારે ડૉક્ટર બનવું છે. તેણે ખૂબ મહેનત કરી પરંતુ તેના માર્ક્સ એટલા નથી કે અહીં સરળતાથી ઍડ્મિશન મળી જાય. એક બાપ તરીકે મને એમ હતું કે દીકરીનું સપનું છે તો આપણે ચોક્કસ પૂરું કરીએ. એના માટે મારે બૅન્કમાંથી લોન લેવી પડી. અમે ૧૭ લાખ રૂપિયાની લોન લીધી છે, જે એક એજ્યુકેશન લોન છે.’ 


ઓછી સીટ્સ 
જોકે એની સામે અમુક બેઝિક તકલીફો પણ છે, જેમ કે ભારતમાં મેડિકલમાં ઍડ્મિશન મળવું ઘણું જ મુશ્કેલ છે. ભારતમાં જેમને મેડિકલમાં ઍડ્મિશન જોઈતું હોય એને એક એન્ટ્રન્સ ટેસ્ટ આપવી પડે છે જેનું નામ છે NEET- નૅશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ. આ NEET અતિ અઘરી એક્ઝામ માનવામાં આવે છે. એમાં સ્કોર કરવું ઘણું ટફ છે. ૨૦૨૧માં એકસાથે આશરે ૧૫ લાખ વિદ્યાર્થીઓએ NEETની એકઝામ આપી હતી જેમાંથી આશરે ૮.૭ લાખ જેવા ક્વૉલિફાય થયા. એની સામે ભારતમાં ૮૮,૧૨૦ એમબીબીએસની અને ૨૭,૪૯૮ બીડીએસની સીટ્સ હતી. NEETમાં ક્વોલિફાય થયેલા લાખો સ્ટુડન્ટ્સમાંથી લગભગ સવા લાખ સ્ટુડન્ટ્સને જ ભારતમાં ઍડ્મિશન આપી શકાય છે. બાકીના ૭ લાખ વધેલા સ્ટુડન્ટ્સનું શું? એમના મેડિકલના સપનાનું શું? એ પૂરું થતું નથી. એટલે માતા-પિતા બીજા ઑપ્શન્સ શોધવા માટે મજબૂર બની જતાં હોય છે.  


મોંઘું ભણતર 
આ જે ૮૮,૧૨૦ સીટની વાત થઈ રહી છે એમાંથી પણ અમુક હજાર સીટ જ સરકારી કૉલેજોની હોય છે જ્યાં ફી વર્ષની ૫૦,૦૦૦ આસપાસની હોય છે. બાકી સેલ્ફ-ફાઇનૅન્સ, એનઆરઆઇ ક્વોટા કે મૅનેજમેન્ટ સીટ પર આ ખર્ચો લાખોમાં જાય છે. એમબીબીએસનાં ચાર વર્ષનો ભારતમાં ખર્ચો લગભગ ૧ કરોડથી ઉપર પહોંચે છે, જ્યારે આ જ ડિગ્રી અમુક દેશોમાં ૧૨-૧૩ લાખમાં થઈ જાય છે. યુક્રેનમાં આ ભણતરના ૧૮થી ૨૦ લાખ જેવા લાગે છે. ભારતથી બહારના ભણતરમાં લોકો યુએસ, કૅનેડા અને યુકે જવાનું વિચારતા હોય છે પરંતુ ત્યાં તો આ ખર્ચો આશરે ૪-૮ કરોડ જેટલો થાય છે. આ પરિસ્થિતિમાં માતા-પિતા સસ્તા ભણતર તરફ પસંદગી ઉતારે એ સહજ છે. એ વિશે વાત કરતાં યુક્રેનમાં ત્રીજા વર્ષમાં ભણતી અને હાલમાં જ મુંબઈ પરત ફરેલી મેડિસિનની સ્ટુડન્ટ અક્ષિતા ભાનુશાલી કહે છે, ‘મને જરાય ઇચ્છા નહોતી કે હું લોન લઈને ભણું કે મારાં માતા-પિતા પર કરોડોનો બોજ નાખું. મને ડૉક્ટર જ બનવું છે તો એ હું કોઈ પણ જગ્યાએ ભણીને બની જ શકું છું. એટલે મેં યુક્રેન જવાનું પસંદ કર્યું હતું.’  


રિઝર્વેશન ક્વોટાની બબાલ
આપણે ત્યાં રિઝર્વેશન છે એને કારણે ડિઝર્વ કરનારા વિદ્યાર્થીઓ પાછળ રહી જાય છે એ ફરિયાદ વર્ષોથી થઈ રહી છે, પરંતુ ક્વોટા સિસ્ટમ આપણે ત્યાં નીકળતી નથી. એ વિશે વાત કરતાં યુક્રેનમાં ત્રીજા વર્ષમાં ભણતી મેડિસિનની વિદ્યાર્થી યશ્વી સેઠિયાનાં મમ્મી અર્પિતા સેઠિયા કહે છે ‘આપણે ત્યાંથી આ સિસ્ટમ નીકળી જવી જોઈએ, કારણ કે ક્વોટામાં એસટી, એસસી અને ઓબીસીના સ્ટુડન્ટ્સને જ્યારે ઓછા માર્ક્સ હોવા છતાં ઍડ્મિશન મળે છે એ સ્ટુડન્ટ્સમાંથી ૮૦ ટકા સ્ટુડન્ટ્સ પહેલા-બીજા વર્ષમાં મેડિસિન છોડી દે છે, કારણ કે એ લોકોને એ અઘરું પડે છે. આમાં સીટ વેસ્ટ થાય છે. આ સિસ્ટમનો ભોગ ઘણા બ્રાઇટ વિદ્યાર્થીઓ બની રહ્યા છે.’ 
આંખોમાં પાણી સાથે તેઓ કહે છે ‘કયાં માતા-પિતા તેમના સંતાનને પોતાનાથી આટલે દૂર, આવા દેશોમાં મોકલવા ઇચ્છતાં હશે? આશરે ૨૦,૦૦૦ સ્ટુડન્ટ્સ યુક્રેનમાં મેડિસિન ભણવા ગયા છે જેમાંથી ૧૯,૯૯૯નાં માતા-પિતા એવાં જ હશે જે કહેશે કે અમારા બાળકની ઇચ્છા સામે અમે ઝૂક્યાં અને એમનાં સપનાં પૂરાં કરવા અમે એમને ત્યાં મન મારીને મોકલ્યાં. યુદ્ધની પરિસ્થિતિમાં મહામહેનતે અને સદ્નસીબે મારી દીકરી પાછી આવી છે. આવી પરિસ્થિતિમાં કયાં માતા-પિતાનું કાળજું માને એને પાછી મોકલવા, પરંતુ જો કોઈ ઉપાય ન આવ્યો તો એનાં વર્ષો અને કરીઅર ન બગડે એ માટે પણ મન પર પથ્થર રાખીને અમારે એને મોકલવી તો પડશે જ.’


ત્યાંનું ભણતર કેવું
આપણે ત્યાં એક એવી માનસિકતા છે કે રશિયા કે યુક્રેન જેવી જગ્યાએ મેડિસિન ભણીને આવેલા ડૉક્ટર્સ એટલા હોશિયાર નથી હોતા. એવું કેમ છે? એની સ્પષ્ટતા કરતાં સમારા સ્ટેટ યુનિવર્સિટી, રશિયામાં મેડિસિન ફેકલ્ટીમાં ઇન્ટરનૅશનલ સ્ટુડન્ટ્સ માટે જેમની કોર્સ ડિરેક્ટર તરીકે ખાસ નિમણૂક થઈ છે એ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. રોહિત ભાલાળા કહે છે, ‘દરેક ડૉક્ટરે મેડિસિન ભણી લીધા પછી ભારતમાં નૅશનલ એક્ઝિટ ટેસ્ટ પાસ કરવી જરૂરી છે. એ પાસ કરો તો જ અહીં મેડિસિન પ્રૅક્ટિસ કરી શકાય છે. આ ટેસ્ટ ભારતમાં ભણેલો હોય કે રશિયામાં, દરેક ડૉક્ટરે આપવી પડે છે. એમાં રશિયાથી ભણીને આવેલા આશરે ૧૦૦માંથી ૮૦ ડૉક્ટર્સ ફેલ થાય છે. જનરલી ૬ વર્ષ મેડિસિન ભણ્યા પછી આ ડૉક્ટર્સ ભારત આવી આ ટેસ્ટ માટે ૧-૨ વર્ષ વધુ ભણે છે ટેસ્ટમાં પાસ થવા માટે. આનું કારણ એ છે કે અહીંની ટેસ્ટનું ફૉર્મેટ સમજવું જરૂરી છે. એના માટે સ્ટુડન્ટને પહેલા વર્ષથી તૈયારી કરાવવી જરૂરી છે, જે અમે કરાવીએ છીએ. એ માટે અમે ભારતથી પણ ઘણા હોશિયાર ડૉક્ટર્સને ત્યાં લેક્ચર લેવા માટે બોલાવીએ છીએ. ઇરાદો એ જ છે કે ત્યાં ભણતા સ્ટુડન્ટ્સને આ ટેસ્ટ માટે પ્રિપેર કરવા, જેથી એમનું ભવિષ્ય સિક્યૉર થઈ શકે.’

શું એનો અર્થ એમ છે કે ત્યાંનું ભણતર સારું નથી

ના, એવું જરાય નથી એમ જણાવતાં ડૉ. રોહિત ભાલાળા કહે છે, ‘રશિયા-યુક્રેનનું ભણતર સારું જ છે પરંતુ ત્યાં આવતા છોકરાઓની કૅપેસિટી, થોડી મહેનતનો અભાવ એમને નડી જાય છે. બીજું એ કે રશિયન પ્રોફેસરો પોતાની ભાષામાં જેટલું સારી રીતે નૉલેજ આપી શકે એટલું અંગ્રેજીમાં થોડી કચાશ રહી જવાથી ભાષાનું બૅરિયર નડે છે. જો તમારે શીખવું જ છે, ભણવું જ છે તો રશિયામાં ભારત કરતાં વધુ શીખવે છે; કારણ કે ત્યાં એમબીબીએસનો વિદ્યાર્થી પણ લાયક હોય તો એને ઍન્જિયોગ્રાફી કરવાનો મોકો મળે છે. અહીં તો એમડી ભણતા ડૉક્ટરને પણ આવો ચાન્સ અપાતો નથી. ત્યાંનું ભણતર કોઈ પણ રીતે ઊણું નથી. કેમ કે અંતે એ વિદ્યાર્થી પર જ નિર્ભર કરે છે કે એ કેટલું શીખી શકે છે.’

ફોટો ક્રેડીટ- સૈયદ સમીર આબેદી 


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પશુઓ માટે હું અવાજ ઉઠાવીશ

  એવું કહેનારી ફોર્ટની સ્નેહા વિસરિયાએ પ્રાણીઓ સામે થતા અન્યાય વિરુદ્ધ અનેક ફરિયાદો કરી છે. દોઢસોથી વધુ પ્રાણીઓને ખવડાવવા માટે રાતના દસથી એક-બે વાગ્યા સુધી ફોર્ટમાં ઘૂમતી સ્નેહા ઘાયલ પ્રાણીઓની સારવાર કરવા ને રેસ્ક્યુ કરવા માટે ખડેપગે રહે છે.   ‘ તમે સામાન્ય જીવન જીવતા હો પરંતુ જીવન તમને કઈ દિશામાં લઈ જાય છે અને તમને એ સમજાય કે ખરા અર્થમાં તમે શું કરવા માગો છો એનું નામ જ સંજોગ. હું નસીબદાર છું કે જીવને આવો સંજોગ મારા માટે જન્માવ્યો અને મને સમજાયું કે હું મૂંગાં પશુઓ માટે કંઈક નહીં , ઘણુંબધું કરવા માગું છું.’   આ શબ્દો છે વીટી રોડ પાસે રહેતી ૩૭ વર્ષની સ્નેહા વિસરિયાના જે દરરોજ ફોર્ટ વિસ્તારમાં રાત્રે ૧૦થી લગભગ એક વાગ્યા સુધી મૂંગાં પશુઓને ભોજન આપવાનું કામ કરે છે. છેલ્લાં બે વર્ષથી એ લગભગ શેરીમાં રખડતા ૬૦ કૂતરાઓ અને ૧૦૦થી પણ વધુ બિલાડીઓને ખવડાવે છે. આ સિવાય પ્રેગ્નન્ટ પ્રાણીઓની કાળજી , એમનાં જન્મેલાં બચ્ચાંનું અડૉપ્શન , ઘાયલ થયેલાં પ્રાણીઓની સારવાર અને દેખરેખ , પ્રાણીઓ અને પક્ષીઓને રેસ્ક્યુ કરવાં , પ્રાણીઓ પર થતા અન્યાય સામે કાનૂની લડત માટે પોલીસ સ્ટેશનમાં ચક્કર કાપવામાં...

જૂની લાઇબ્રેરીઓને સાચવવાની જહેમત

  આજના ઇન્ટરનેટના જમાનામાં જ્યાં લાઇબ્રેરીઓ તરફ લોકોને રસ ઘટતો જાય છે ત્યારે ફન્ડના અભાવને કારણે ખખડી ગયેલી લાઇબ્રેરીઓને ટકાવવાનો સંઘર્ષ કરવો પડે એમ છે. મુંબઈમાં જ્યાં ૧૦૦-૨૦૦ વર્ષ જૂની લાઇબ્રેરીઓ છે ત્યાં એનાં હેરિટેજ બિલ્ડિંગ અને જૂનાં પુસ્તકોને સાચવવા માટેની જદ્દોજહદનો એક અલગ જ જંગ છે. આજે જાણીએ મુંબઈની જૂની લાઇબ્રેરીઓના પ્રશ્નો અને એમના પ્રયાસો વિશે થોડા દિવસ પહેલાં જ સમાચાર આવેલા કે મુંબઈ યુનિવર્સિટીના કાલિના કૅમ્પસમાં આવેલી જવાહરલાલ નેહરુ લાઇબ્રેરી ખરાબ પરિસ્થિતિમાં છે. એના બિલ્ડિંગમાં રિપેરકામની સખત   જરૂરિયાત છે. લાઇબ્રેરીની બુક્સ અને રિસર્ચ પેપર જુદા-જુદા કૉર્નર્સમાં ખૂબ ખરાબ અવસ્થામાં પડ્યાં છે જેમાંથી કેટલાકને તો ઊધઈ ખાઈ રહી છે. યુનિવર્સિટીની લાઇબ્રેરી માટે નવું બિલ્ડિંગ છેલ્લાં ૪ વર્ષથી તૈયાર હોવા છતાં ત્યાં શિફ્ટ થવાના કોઈ આસાર હજી સુધી દેખાયા નથી. કોરોનાકાળ પછી હવે જ્યારે કૉલેજો બરાબર ખૂલી ગઈ છે ત્યારે વિદ્યાર્થીઓ વધુ માત્રામાં લાઇબ્રેરીમાં આવી રહ્યા છે અને લાઇબ્રેરીની આ ખસ્તા હાલત એમની સુરક્ષા અને સુવિધા પર પણ સવાલ ઉઠાવે છે. તિરાડવાળી દીવાલો , પડું-પડું થતી ...