મુખ્ય સામગ્રી પર જાઓ

પશુઓ માટે હું અવાજ ઉઠાવીશ

 

એવું કહેનારી ફોર્ટની સ્નેહા વિસરિયાએ પ્રાણીઓ સામે થતા અન્યાય વિરુદ્ધ અનેક ફરિયાદો કરી છે. દોઢસોથી વધુ પ્રાણીઓને ખવડાવવા માટે રાતના દસથી એક-બે વાગ્યા સુધી ફોર્ટમાં ઘૂમતી સ્નેહા ઘાયલ પ્રાણીઓની સારવાર કરવા ને રેસ્ક્યુ કરવા માટે ખડેપગે રહે છે.

 તમે સામાન્ય જીવન જીવતા હો પરંતુ જીવન તમને કઈ દિશામાં લઈ જાય છે અને તમને એ સમજાય કે ખરા અર્થમાં તમે શું કરવા માગો છો એનું નામ જ સંજોગ. હું નસીબદાર છું કે જીવને આવો સંજોગ મારા માટે જન્માવ્યો અને મને સમજાયું કે હું મૂંગાં પશુઓ માટે કંઈક નહીં, ઘણુંબધું કરવા માગું છું.’

 આ શબ્દો છે વીટી રોડ પાસે રહેતી ૩૭ વર્ષની સ્નેહા વિસરિયાના જે દરરોજ ફોર્ટ વિસ્તારમાં રાત્રે ૧૦થી લગભગ એક વાગ્યા સુધી મૂંગાં પશુઓને ભોજન આપવાનું કામ કરે છે. છેલ્લાં બે વર્ષથી એ લગભગ શેરીમાં રખડતા ૬૦ કૂતરાઓ અને ૧૦૦થી પણ વધુ બિલાડીઓને ખવડાવે છે. આ સિવાય પ્રેગ્નન્ટ પ્રાણીઓની કાળજી, એમનાં જન્મેલાં બચ્ચાંનું અડૉપ્શન, ઘાયલ થયેલાં પ્રાણીઓની સારવાર અને દેખરેખ, પ્રાણીઓ અને પક્ષીઓને રેસ્ક્યુ કરવાં, પ્રાણીઓ પર થતા અન્યાય સામે કાનૂની લડત માટે પોલીસ સ્ટેશનમાં ચક્કર કાપવામાં તે કદી થાકતી નથી.

 પહેલું ગલૂડિયું

૨૦૧૫માં કોઈકે તેને સરકારી હૉસ્પિટલમાં જન્મેલા ગલૂડિયાંઓમાંથી એક ગલૂડિયું પાળવાનું સૂચવ્યું અને ત્યાંથી શરૂ થઈ અનોખી યાત્રા વિશે સ્નેહા કહે છે, ‘હું એક ગલૂૂડિયાંને ઘરે લઈ આવી. એનું નામ હૅપી રાખ્યું. થોડા દિવસમાં હૅપી અમારા ઘરનો અગત્યનો મેમ્બર બની ગયો. મને ખબર પાડી કે હૅપી સાથે જન્મેલા એના ભાઈ-બહેન જેને કોઈએ અડૉપ્ટ નહોતાં કર્યાં એ બધાં મરી ગયાં. એ દિવસે મેં રિયલાઇઝ કર્યું કે આ જીવોને આપણી કાળજીની કેટલી જરૂર છે. હૅપીને હું ન લાવી હોત તો કદાચ એ પણ...’

મળી નવી દિશા

તમારા જીવનમાં એક પ્રાણી આવે એ પછીથી આજુબાજુ તમને સતત પ્રાણીઓ દેખાવા લાગે. સ્નેહા કહે છે, ‘હું ૨-૪ ડૉગીઝને ફીડ કરવા લાગી. એ પછીથી મને દર ગલીકૂચીના નાકે પ્રાણીઓ મળવા જ લાગ્યાં અને એમ મારી ફોજ વધતી ચાલી. મારા ઘરની નજીક વીટી સ્ટેશન પર લૉકડાઉનને લીધે કોઈપણ વ્યક્તિને જવાની મનાઈ હતી. પરંતુ મને લાગ્યું કે અંદર કદાચ પ્રાણીઓ હોવાં જોઈએ. હું એવી સ્થિતિમાં પણ અંદર ગઈ ત્યારે ત્યાં સ્ટેશન પર મને ૭-૮ કૂતરાઓ મળ્યા જે ખૂબ ભૂખ્યા હતા. લૉકડાઉન સમયે બધું જ બંધ હોવાને કારણે આ પ્રાણીઓને ખાસ ખાવાનું મળતું ન હોવાથી તેમની હાલત બહુ ખરાબ હતી.’

આજની તારીખે પણ દરરોજ રાત્રે ૧૦ વગ્યાથી સ્નેહા એના ઘરેથી નીકળે અને દર ગલી-ગલીમાં પશુઓને ખવડાવતી આગળ વધે. રાત્રે આ કામ કેમ કરે છે? એ પ્રશ્નનો જવાબ આપતાં સ્નેહા કહે છે, ‘દિવસે આ બહાર નીકળતા નથી. રાત્રે જ મળે. વળી એમાં કોઈ જખમી થઈ ગયું હોય તો એના દવાદારૂ કરું. એને જરૂર પડે તો ઘરે લઈ આવું. એની દેખરેખ કરું. આ બધું એકલા હાથે પણ થઈ શકે પરંતુ ૨૦૧૮માં મને એવો વિચાર આવેલો કે એક ટ્રસ્ટ ખોલવું જોઈએ.’

પ્રાણીઓના હક માટે લડવા અને એમની તકલીફોને દૂર કરવાના આશયથી એણે જસ્ટ સ્માઇલ ચૅરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા શરૂ કરી. જેમાં મુંબઈ આખાના ૧૪૦ ફીડર્સ જોડાયા. જે લોકો આ રીતે શેરી પ્રાણીઓની સંભાળ રાખે છે એવા લોકોનું આ ગ્રુપ છે જે એકબીજાને કોઈ પણ પ્રકારનું પ્રાણીઓ સંબંધિત માર્ગદર્શન પૂરું પાડે છે જેને લીધે સામૂહિક રીતે પ્રાણીઓ માટે વિચારી શકાય અને પગલાં પણ લઈ શકાય.’

રેસ્ક્યુ

સ્નેહા જે પણ પ્રાણીઓને ખવડાવે છે એનો એ અંગત રીતે ખર્ચ કરે છે, પરંતુ પ્રાણીઓના ઇલાજ માટે એને ફન્ડ ભેગું કરવું પડે છે જેના માટે એ ટ્રસ્ટનો સહારો લે છે. રોડ પર રહેતી ગાયો સાથે થતા અન્યાય, ઍક્સિડન્ટ કેસિસ અને પ્રાણીઓ વિરુદ્ધ ક્રૂરતા આચરવાના કિસ્સાઓમાં સ્નેહાએ એફઆરઆઇ નોંધાવીને પ્રાણીઓને ન્યાય મળે એ માટે નૉન-સ્ટોપ મથે છે. ૫૦થી પણ વધુ પ્રાણીઓને રેસ્ક્યુ કરી ચૂકેલી સ્નેહાએ હાલમાં બિલાડીનાં ૩ અંધ બચ્ચાંઓને રેસ્ક્યુ કર્યાં હતાં. એ વિશે વાત કરતાં એ કહે છે, ‘આ ત્રણેય બચ્ચાંઓની આંખની જગ્યાએ કાણાં હતાં અને એ જગ્યાએથી પરુ વહેતું હતું. એ ૨૦-૨૫ દિવસના માંડ હશે. એમના માટે મેં સારામાં સારા સર્જ્યન શોધ્યા અને એમનો ઇલાજ ચાલુ કર્યો. દિવસના ત્રણ-ચાર વાર દવા લગાડી એમના પરુ સાફ કરવાના હતા. સર્જરી અને ઇલાજથી એક બચ્ચું દેખતું થઈ ગયું. એકની એક આંખ બચી અને ત્રીજું હજી આંધળું જ છે. જે જોવા લાગ્યું એને હું ફરી એ એરિયામાં છોડી આવી જ્યાંથી એ આવી હતી. બાકીનાં બન્ને મારા ઘરમાં જ છે. કોઈ સારી વ્યક્તિ મળશે તો એનું અડૉપ્શન કરાવી દઈશ એમ મેં વિચાર્યું છે.’

ક્લિનિક ખોલવું છે 

ઘણા લોકો રોડ પર ઘાયલ પ્રાણીને જુએ છતાં હૉસ્પિટલ લઈ જતાં નથી. એનું કારણ એ નથી કે લોકો નિર્દય છે. એમ જણાવતાં સ્નેહા ઉમેરે છે, ‘સમસ્યા એ છે કે પ્રાણીઓ માટે સરકારી હૉસ્પિટલો આપણે ત્યાં ઘણી ઓછી છે અને એની ફૅસિલિટીઝ પણ સારી નથી. પ્રાણીઓના પ્રાઇવેટ ક્લિનિકમાં જઈએ તો એક વખતના ૫૦૦-૨૦૦૦ રૂપિયાનો ખર્ચો તો કંઈ ન કહેવાય. આટલો ખર્ચો કરીને શેરી કૂતરા-બિલાડાનો ઇલાજ કોણ કરાવે? મને લાગે છે કે આપણને એક વચગાળાના ઉપાયની જરૂર છે. જ્યાં સારો ઇલાજ પણ થાય અને એ પણ મોંઘો ન હોય. હું કોશિશ કરી રહી છું કે એક એવું ક્લિનિક ખોલું જે આ પ્રકારનું હોય. આશા છે કે થોડા જ સમયમાં આ શક્ય બનશે.’

 


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ડૉક્ટર બનવા યુક્રેન અને રશિયા કેમ જવું પડે છે?

  હાલમાં ચાલી રહેલા યુદ્ધના માહોલમાં મેડિસિનનું ભણવા ગયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓને પાછા લાવવાનું મિશન જોરશોરથી ચાલી રહ્યું છે ત્યારે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે કેમ હજારો યુવાનો માટે યુક્રેન , રશિયા , કઝાખસ્તાન , ફિલિપીન્સ અને બેલારૂસ જેવા દેશો ડૉક્ટર બનવાનું સપનું પૂરું કરવાનાં ધામ છે.   યુક્રેનના વિદ્યાર્થીઓને માઇનસ ત્રણ ડિગ્રીમાં રોડ પર ઠૂંઠવાતા અને યુક્રેનના પોલીસ કર્મચારીઓ દ્વારા માર ખાતા જોઈને ભલભલા માતા-પિતા વિચારમાં પડી જાય કે આવા દેશમાં પોતાનાં દીકરા-દીકરીને ભણવા મોકલવાં કે નહીં. યુક્રેન , રશિયા , કઝાખસ્તાન , ફિલિપીન્સ , બેલારૂસ જેવા દેશોમાં ભારતના હજારો યુવાનો ડૉક્ટર બનવા માટે જાય છે. એવાં કયાં કારણો હશે કે ભારતથી ફક્ત મેડિસિન ભણવા માટે આ યુવાનો ૬ વર્ષ માટે ત્યાં શિફ્ટ થાય છે ? એવું તો શું છે યુક્રેન , રશિયા જેવાં દેશોમાં કે ત્યાં યુવાનો તેમનું ડૉક્ટર બનવાનું સપનું પૂરું કરવા જાય છે ?  ડૉક્ટર બનવાનું સપનું   પહેલો પ્રૉબ્લેમ છે ડૉક્ટર બનવાનું ઘેલું. ભારતમાં આજે પણ ઘણા માતા-પિતા તેમના સંતાનને ડૉક્ટર જ બનાવવા માગે છે. બીજા પ્રોફેશન્સ કે કરીઅર ઑપ્શન વિશે...

જૂની લાઇબ્રેરીઓને સાચવવાની જહેમત

  આજના ઇન્ટરનેટના જમાનામાં જ્યાં લાઇબ્રેરીઓ તરફ લોકોને રસ ઘટતો જાય છે ત્યારે ફન્ડના અભાવને કારણે ખખડી ગયેલી લાઇબ્રેરીઓને ટકાવવાનો સંઘર્ષ કરવો પડે એમ છે. મુંબઈમાં જ્યાં ૧૦૦-૨૦૦ વર્ષ જૂની લાઇબ્રેરીઓ છે ત્યાં એનાં હેરિટેજ બિલ્ડિંગ અને જૂનાં પુસ્તકોને સાચવવા માટેની જદ્દોજહદનો એક અલગ જ જંગ છે. આજે જાણીએ મુંબઈની જૂની લાઇબ્રેરીઓના પ્રશ્નો અને એમના પ્રયાસો વિશે થોડા દિવસ પહેલાં જ સમાચાર આવેલા કે મુંબઈ યુનિવર્સિટીના કાલિના કૅમ્પસમાં આવેલી જવાહરલાલ નેહરુ લાઇબ્રેરી ખરાબ પરિસ્થિતિમાં છે. એના બિલ્ડિંગમાં રિપેરકામની સખત   જરૂરિયાત છે. લાઇબ્રેરીની બુક્સ અને રિસર્ચ પેપર જુદા-જુદા કૉર્નર્સમાં ખૂબ ખરાબ અવસ્થામાં પડ્યાં છે જેમાંથી કેટલાકને તો ઊધઈ ખાઈ રહી છે. યુનિવર્સિટીની લાઇબ્રેરી માટે નવું બિલ્ડિંગ છેલ્લાં ૪ વર્ષથી તૈયાર હોવા છતાં ત્યાં શિફ્ટ થવાના કોઈ આસાર હજી સુધી દેખાયા નથી. કોરોનાકાળ પછી હવે જ્યારે કૉલેજો બરાબર ખૂલી ગઈ છે ત્યારે વિદ્યાર્થીઓ વધુ માત્રામાં લાઇબ્રેરીમાં આવી રહ્યા છે અને લાઇબ્રેરીની આ ખસ્તા હાલત એમની સુરક્ષા અને સુવિધા પર પણ સવાલ ઉઠાવે છે. તિરાડવાળી દીવાલો , પડું-પડું થતી ...