મુખ્ય સામગ્રી પર જાઓ

જૂની લાઇબ્રેરીઓને સાચવવાની જહેમત

 



આજના ઇન્ટરનેટના જમાનામાં જ્યાં લાઇબ્રેરીઓ તરફ લોકોને રસ ઘટતો જાય છે ત્યારે ફન્ડના અભાવને કારણે ખખડી ગયેલી લાઇબ્રેરીઓને ટકાવવાનો સંઘર્ષ કરવો પડે એમ છે. મુંબઈમાં જ્યાં ૧૦૦-૨૦૦ વર્ષ જૂની લાઇબ્રેરીઓ છે ત્યાં એનાં હેરિટેજ બિલ્ડિંગ અને જૂનાં પુસ્તકોને સાચવવા માટેની જદ્દોજહદનો એક અલગ જ જંગ છે. આજે જાણીએ મુંબઈની જૂની લાઇબ્રેરીઓના પ્રશ્નો અને એમના પ્રયાસો વિશે

થોડા દિવસ પહેલાં જ સમાચાર આવેલા કે મુંબઈ યુનિવર્સિટીના કાલિના કૅમ્પસમાં આવેલી જવાહરલાલ નેહરુ લાઇબ્રેરી ખરાબ પરિસ્થિતિમાં છે. એના બિલ્ડિંગમાં રિપેરકામની સખત 
જરૂરિયાત છે. લાઇબ્રેરીની બુક્સ અને રિસર્ચ પેપર જુદા-જુદા કૉર્નર્સમાં ખૂબ ખરાબ અવસ્થામાં પડ્યાં છે જેમાંથી કેટલાકને તો ઊધઈ ખાઈ રહી છે. યુનિવર્સિટીની લાઇબ્રેરી માટે નવું બિલ્ડિંગ છેલ્લાં ૪ વર્ષથી તૈયાર હોવા છતાં ત્યાં શિફ્ટ થવાના કોઈ આસાર હજી સુધી દેખાયા નથી. કોરોનાકાળ પછી હવે જ્યારે કૉલેજો બરાબર ખૂલી ગઈ છે ત્યારે વિદ્યાર્થીઓ વધુ માત્રામાં લાઇબ્રેરીમાં આવી રહ્યા છે અને લાઇબ્રેરીની આ ખસ્તા હાલત એમની સુરક્ષા અને સુવિધા પર પણ સવાલ ઉઠાવે છે. તિરાડવાળી દીવાલો, પડું-પડું થતી ફૉલ્સ સીલિંગને કારણે લાઇબ્રેરીનો એક આખો વિભાગ બંધ રાખવામાં આવ્યો છે. બાકી ઘણાં રિસર્ચ પેપર અને ચોપડીઓ એક કૉર્નર પર ધૂળ ખાય છે. આ બાબતે કોઈ ઍક્શન લેવાય એ માટે સેનેટ મેમ્બર વૈભવ થોરાટે હાલમાં વાઇસ ચાન્સેલરને પત્ર લખ્યો હતો. લાઇબ્રેરી સમાજના વિકાસ માટેનું અતિ મહત્ત્વનું પાસું છે, કારણ કે એ જ્ઞાન પ્રાપ્ત કરવાની જગ્યા છે. એની કાળજી અત્યંત જરૂરી છે. આજે જાણીએમુંબઈની અત્યંત જૂની લાઇબ્રેરીઓ કઈ અવસ્થામાં છે અને મેઇન્ટેનન્સ માટે તેઓ શું કરી રહ્યા છે. 

હેરિટેજ સ્ટ્રક્ચર 
ફોર્ટ વિસ્તારમાં આવેલી ૧૫૨ વર્ષ જૂની ડેવિડ સાસૂન લાઇબ્રેરી અને રીડિંગ રૂમ હાલમાં બંધ છે, કારણ કે એની મરામતનું કામ ચાલી રહ્યું છે. આ બિલ્ડિંગ બ્રિટિશર્સના સમયમાં બાંધવામાં આવેલું હતું એટલે એની ગણના હેરિટેજ સ્ટ્રક્ચરમાં થાય છે. પરંતુ એમાં લીકેજ પ્રૉબ્લેમ શરૂ થયો હતો જેનું રિપેરિંગ કામ સરકારી ગ્રાન્ટ સાથે આજથી ૧૨-૧૪ વર્ષ પહેલાં થયું હતું. એ વિશે વાત કરતા ડેવિડ સાસૂન લાઇબ્રેરી અને રીડિંગ રૂમ ટ્રસ્ટના સેક્રેટરી બલદેવ સિંહ કહે છે, ‘એ સમયે જેની પાસે આ કામ કરાવ્યું એણે એ બરાબર કર્યું નહીં અને લીકેજનો પ્રૉબ્લેમ સૉલ્વ થયો નહીં. આમ ગ્રાન્ટ વેડફાઈ ગઈ અને કામ પણ થયું નહીં. પરંતુ આ લીકેજનું કામ કરાવવાનું ખૂબ જરૂરી હતું. 

એમનેમ પણ લાઇબ્રેરીને સંભાળવી જરૂરી હોય છે. એમાં પણ જો હેરિટેજ સ્ટ્રક્ચર હોય તો એની સંભાળ વધુ રાખવી પડે છે. આ વખતે અમે આ કામ આર્કિટેક્ટ આભા લામ્બાને આપ્યું છે. ખર્ચો કરોડોમાં છે. ટ્રસ્ટ પાસે એટલા પૈસા ક્યાંથી હોય એટલે અલગ-અલગ લોકો પાસેથી ડોનેશન લઈને કામ ચાલે છે. લીકેજનો પ્રૉબ્લેમ આખો સૉલ્વ થવો જરૂરી છે, કારણ કે એને કારણે લાઇબ્રેરીની બુક્સ ખરાબ થતી હોય એવું જ નથી પરંતુ બિલ્ડિંગનું આખું સ્ટ્રક્ચર નબળું પડતું જાય છે. જોકે અત્યારે એના રિનોવેશનનું પાકા પાયાનું કામ ચાલી રહ્યું છે. ૨-૪ મહિનાની અંદર લાઇબ્રેરી આખી વ્યવસ્થિત થઈ જઈને ફરીથી ધમધમતી થઈ જશે.’ 

સમય સાથેનો બદલાવ 
મુંબઈની સૌથી જૂની અને એક સમયે મુંબઈના બુદ્ધિશાળી લોકોનો અડ્ડો ગણાતી લાઇબ્રેરી એટલે ફોર્ટમાં આવેલી ધ એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈની લાઇબ્રેરી. ૨,૬૫,૦૦૦ બુક્સ, ૩૦૦૦થી વધુ મેન્યુસ્ક્રિપ્ટ ધરાવતી આ લાઇબ્રેરી અતિ વિશાળ છે. એના બિલ્ડિંગનું ધ્યાન પબ્લિક વર્કર્સ ડિપાર્ટમેન્ટ (PWD) રાખે છે. એક સમય હતો કે જ્ઞાનની ખોજમાં લોકો લાઇબ્રેરી આવતા, કારણ કે એનો સ્રોત ફક્ત એક જ હતો. પરંતુ હવે જ્ઞાનના સ્રોત ઘણા છે. આવા સમયે લાઇબ્રેરીનું આકર્ષણ અને જરૂરિયાત પણ બનાવી રાખવી જરૂરી છે. એ વિશે ધ એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈનાં ઓનરરી સેક્રેટરી ડૉ. ઉષા આર. વિજયલક્ષ્મી કહે છે, ‘લાઇબ્રેરીને ટકાવી રાખવા માટે સમય સાથે ચાલવું અત્યંત જરૂરી છે અને એટલે જ ઘણા સમયથી અમારા મનમાં એવું હતું કે આપણાં લાખો પુસ્તકોને ડિજિટાઇઝ કરીએ, કારણ કે ડિજિટલ લાઇબ્રેરી સમયની માગ છે. પરંતુ આ કામ ફન્ડિંગ વગર કઈ રીતે શક્ય બને? આમ અંદાજ તો હતો પરંતુ ફન્ડિંગના અભાવે ઘણા સમય સુધી આ કામ અમે શરૂ ન કરી શક્યા. પરંતુ ૨૦૧૫માં મહારાષ્ટ્ર સરકારની મદદથી આ કામ ચાલુ થયું અને ‘ગ્રંથ સંજીવની’ નામે અમારી ડિજિટલ લાઇબ્રેરીનો જન્મ થયો, જેને કારણે અમારી સાથે મુંબઈના જ નહીં; મુંબઈથી બહારના દેશ-વિદેશના લોકો જોડાયા. આ કામ લાંબું છે અને ચાલી રહ્યું છે.’

ફન્ડિંગની સતત જરૂર 
લાઇબ્રેરીઓ ચલાવવી સહેલી નથી એવું જણાવતાં ડૉ. ઉષા આર. વિજયલક્ષ્મી કહે છે, ‘અમે ઘણા સમયથી અડૉપ્ટ અ બુક નામનો કન્સેપ્ટ ચલાવીએ છીએ, કારણ કે મુંબઈના ભેજયુક્ત વાતાવરણમાં પુસ્તકોને વર્ષોવર્ષ સાચવવાં સહેલાં નથી હોતાં. એનો ખર્ચો પણ ઘણો હોય છે. સમય જતાં બુક્સના કાગળોમાં ઍસિડિફિકેશન થતું હોય છે જેને કારણે પુસ્તકો ખરાબ થઈ જતાં હોય છે. એને પ્રિઝર્વ કરવા માટે અમે એક લૅબ ઊભી કરી છે જેને અમે કન્ઝર્વેશન લૅબ કહીએ છીએ જે પુસ્તકોની આવરદા વધારવાનું કામ કરે છે. અમે અમારા રીડર્સને કહીએ છીએ કે તમે એક બુકને અડૉપ્ટ કરો જેની સંભાળનો ખર્ચો તમે આપો અને અમે એમનું નામ એ બુક પર રાખીએ છીએ. આમ ઘણી રીતે અમારે ફન્ડિંગ એકઠું કરતા રહેવું પડે છે જેનાથી અમે આ પુસ્તકોનું જતન કરી શકીએ.’    

નવી ડિમાન્ડ 
મરીન લાઇન્સ પર આવેલી ૧૨૮ વર્ષ જૂની ધ પીપલ્સ ફ્રી રીડિંગ લાઇબ્રેરીમાં વર્ષોથી અખબારો અને મૅગેઝીન ફ્રીમાં વાંચવા મળે છે. બાકી પુસ્તકો માટેની મેમ્બરશિપ છે. આ લાઇબ્રેરી કોરોનાકાળમાં ઘણી અસરગ્રસ્ત થઈ, કારણ કે આ સમયમાં લોકો બહાર જ નીકળતા નહોતા તો બહાર જઈને વાંચે ક્યાંથી? પોતાની પરિસ્થિતિ વર્ણવતાં ત્યાંના સંચાલક અને હેડ લાઇબ્રેરીયન જી. એફ. કૂપર કહે છે, ‘એક સમય હતો કે ફ્રીમાં ન્યુઝપેપર અને મૅગેઝિન વાંચવા માટે આ લાઇબ્રેરીમાં ભીડ થતી. આજે લોકો મોબાઇલ પર જ ફ્રીમાં વાંચી લે છે એટલે એમને કોઈ રસ રહેતો નથી. બીજું એ કે કોરોના સમયમાં અમુક રીડર્સે ડિમાન્ડ પણ કરી કે અમને પુસ્તકોની હોમ ડિલિવરી આપો. અમારી પાસે એટલો સ્ટાફ જ નહોતો કે અમે આ કામ કરી શકીએ. હાલમાં અમારે ત્યાં મોટા ભાગે વિદ્યાર્થીઓ આવે છે જે ઘરે વાંચી શકતા નથી. એ અહીં આવીને વાંચે છે. પરંતુ પહેલાંની જેમ હવે જેમને ફક્ત વાંચવામાં જ રસ હોય એવા લોકો ઘણા ઓછા થતા જાય છે. કોરોનાનાં બે વર્ષ તો અમને ઘણું નુકસાન થયું. હવે જ્યારે સમય પહેલાં જેવો થતો જાય છે ત્યારે આશા છે કે લોકો પહેલાંની જેમ જ લાઇબ્રેરી તરફ પાછા ફરશે.’

પ્રવૃત્તિઓથી લોકોને જોડી રાખવાના પ્રયાસો

એક સમય હતો કે લોકોને ફક્ત પુસ્તકો જ આકર્ષતાં અને એને લીધે એ લાઇબ્રેરી તરફ ખેંચાઈ આવતા. પરંતુ હવે ફક્ત પુસ્તકો કાફી નથી, કેટલીક લાઇબ્રેરીઓ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. એને લીધે વાચકોને લાઇબ્રેરી તરફ આવવાનું આકર્ષણ જન્મે છે. માહિમનું પંચાવન વર્ષ જૂનું અને ૪૮,૦૦૦ પુસ્તકો ધરાવતુ માહિમ સાર્વજનિક વાંચનાલય આ પ્રકારની લાઇબ્રેરીમાંનું એક છે. એ વિશે ત્યાંનાં લાઇબ્રેરિયન રુકમણી દેસાઈ કહે છે, ‘વાચકોમાં એક ઉત્સાહ બનેલો રહે એ માટે અમે થોડા-થોડા સમયે નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, ચર્ચાઓ, બાળકો માટે ચિત્રકલા હરીફાઈ, કરીઅર ગાઇડન્સ માટેના સેશન્સ, સાંભળી ન શકતા, બોલી ન શકતા અને જોઈ ન શકતા લોકો માટેના પ્રોગ્રામ અમે કરીએ છીએ એટલું જ નહીં; અમે અમારા વાંચનાલયનું એક વૉટ્સઍપ ગ્રુપ રાખ્યું છે જેમાં અમે વાચકોને અપડેટ કરતા રહીએ છીએ. અમે એક યુટ્યુબ ચૅનલ પણ ખોલી છે જેમાં અમે કાર્યક્રમોના વિડિયોઝ અપલોડ કરીએ છીએ. નવીનતા રહેતી હોવાથી લોકોને મજા આવે છે. કમ્યુનિટી તરીકે તેમનો લાઇબ્રેરી સાથેનો સંબંધ અકબંધ રહે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ડૉક્ટર બનવા યુક્રેન અને રશિયા કેમ જવું પડે છે?

  હાલમાં ચાલી રહેલા યુદ્ધના માહોલમાં મેડિસિનનું ભણવા ગયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓને પાછા લાવવાનું મિશન જોરશોરથી ચાલી રહ્યું છે ત્યારે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે કેમ હજારો યુવાનો માટે યુક્રેન , રશિયા , કઝાખસ્તાન , ફિલિપીન્સ અને બેલારૂસ જેવા દેશો ડૉક્ટર બનવાનું સપનું પૂરું કરવાનાં ધામ છે.   યુક્રેનના વિદ્યાર્થીઓને માઇનસ ત્રણ ડિગ્રીમાં રોડ પર ઠૂંઠવાતા અને યુક્રેનના પોલીસ કર્મચારીઓ દ્વારા માર ખાતા જોઈને ભલભલા માતા-પિતા વિચારમાં પડી જાય કે આવા દેશમાં પોતાનાં દીકરા-દીકરીને ભણવા મોકલવાં કે નહીં. યુક્રેન , રશિયા , કઝાખસ્તાન , ફિલિપીન્સ , બેલારૂસ જેવા દેશોમાં ભારતના હજારો યુવાનો ડૉક્ટર બનવા માટે જાય છે. એવાં કયાં કારણો હશે કે ભારતથી ફક્ત મેડિસિન ભણવા માટે આ યુવાનો ૬ વર્ષ માટે ત્યાં શિફ્ટ થાય છે ? એવું તો શું છે યુક્રેન , રશિયા જેવાં દેશોમાં કે ત્યાં યુવાનો તેમનું ડૉક્ટર બનવાનું સપનું પૂરું કરવા જાય છે ?  ડૉક્ટર બનવાનું સપનું   પહેલો પ્રૉબ્લેમ છે ડૉક્ટર બનવાનું ઘેલું. ભારતમાં આજે પણ ઘણા માતા-પિતા તેમના સંતાનને ડૉક્ટર જ બનાવવા માગે છે. બીજા પ્રોફેશન્સ કે કરીઅર ઑપ્શન વિશે...

પશુઓ માટે હું અવાજ ઉઠાવીશ

  એવું કહેનારી ફોર્ટની સ્નેહા વિસરિયાએ પ્રાણીઓ સામે થતા અન્યાય વિરુદ્ધ અનેક ફરિયાદો કરી છે. દોઢસોથી વધુ પ્રાણીઓને ખવડાવવા માટે રાતના દસથી એક-બે વાગ્યા સુધી ફોર્ટમાં ઘૂમતી સ્નેહા ઘાયલ પ્રાણીઓની સારવાર કરવા ને રેસ્ક્યુ કરવા માટે ખડેપગે રહે છે.   ‘ તમે સામાન્ય જીવન જીવતા હો પરંતુ જીવન તમને કઈ દિશામાં લઈ જાય છે અને તમને એ સમજાય કે ખરા અર્થમાં તમે શું કરવા માગો છો એનું નામ જ સંજોગ. હું નસીબદાર છું કે જીવને આવો સંજોગ મારા માટે જન્માવ્યો અને મને સમજાયું કે હું મૂંગાં પશુઓ માટે કંઈક નહીં , ઘણુંબધું કરવા માગું છું.’   આ શબ્દો છે વીટી રોડ પાસે રહેતી ૩૭ વર્ષની સ્નેહા વિસરિયાના જે દરરોજ ફોર્ટ વિસ્તારમાં રાત્રે ૧૦થી લગભગ એક વાગ્યા સુધી મૂંગાં પશુઓને ભોજન આપવાનું કામ કરે છે. છેલ્લાં બે વર્ષથી એ લગભગ શેરીમાં રખડતા ૬૦ કૂતરાઓ અને ૧૦૦થી પણ વધુ બિલાડીઓને ખવડાવે છે. આ સિવાય પ્રેગ્નન્ટ પ્રાણીઓની કાળજી , એમનાં જન્મેલાં બચ્ચાંનું અડૉપ્શન , ઘાયલ થયેલાં પ્રાણીઓની સારવાર અને દેખરેખ , પ્રાણીઓ અને પક્ષીઓને રેસ્ક્યુ કરવાં , પ્રાણીઓ પર થતા અન્યાય સામે કાનૂની લડત માટે પોલીસ સ્ટેશનમાં ચક્કર કાપવામાં...