મુખ્ય સામગ્રી પર જાઓ

‘ઇઝ્ઝત સે જીને કા’

ગંગુબાઈ કાઠિયાવાડીમાં જેમ આ સંદેશ ગંગુબાઈએ દરેક સેક્સવર્કરને આપ્યો હતો એવું જ કંઈક અપને આપ વિમેન્સ કલેક્ટિવનાં મંજુ વ્યાસ છેલ્લા બે દાયકાથી કરી રહ્યાં છે. જે સમાજને એની સ્ત્રીઓને માન આપતાં શીખવવું પડે એ સમાજ પાસેથી સેક્સવર્કર્સને માન અપાવવાની વાત અઘરી છે ત્યારે આવું લોઢાના ચણા ચાવવા જેવું કામ મંજુબહેને કઈ રીતે શરૂ કર્યું અને હજી કરી રહ્યાં છે એની રસપ્રદ વાતો જાણીએ…..

૨૩ વર્ષ પહેલાં એક મલ્ટિનૅશનલ કંપનીમાં ખૂબ સારા પદે કામ કરતી મંજુ વ્યાસને તેની નિયતિ કોઈ કારણસર સમાજસેવા અર્થે મુંબઈના કામાઠીપુરામાં લઈ ગઈ. ત્યાં તેમને પાંચ વર્ષની એક નાનકડી છોકરી મળી. સહજતાથી તેમણે બાળકીને પૂછ્યું કે મોટા થઈને તારે શું બનવું છે?
છોકરીએ પળનો પણ વિલંબ કર્યા વિના કહ્યું, ‘બાઈ! મુઝે તો ઘરવાલી બનના હૈ!’ (અહીં ઘરવાલી શબ્દનો અર્થ થાય કોઠો ચલાવતી માલકિન.) 
જવાબ સાંભળીને ઘડીભર મગજ બહેર મારી ગયું હોય એમ મંજુ બેસી રહી. પાંચ વર્ષની છોકરીના મનમાં આવો વિચાર આવ્યો કઈ રીતે? સમજતાં વાર ન લાગી કે આ નાનકડી છોકરીએ જોયું હતું કે એની આસપાસ રહેતી સ્ત્રીઓમાં એક ઘરવાલી છે જેની પાસે પાવર છે, સત્તા છે, અને બધાને ઑર્ડર આપે છે. મારી મા એને આધીન થઈને રહે છે. તો બસ, હું પણ એ બનીશ. બાળક એ જ બનવાનું વિચારે છે જેનું એક્સપોઝર તેને મળે. આ  
બાળકો પાસે કોઈ એક્સપોઝર જ નથી એટલે સારા જીવનની કલ્પના સુધ્ધાં નથી. જેની કલ્પના અશક્ય લાગતી હોય એને હકીકત બનાવવાનો મંજુએ મનમાં દૃઢ નિર્ધાર કર્યો અને સેક્સવર્કર્સના જીવનના ઉદ્ધાર માટેનું એક નવું પ્રકરણ શરૂ થયું. 


નોકરી છોડી દીધી


ઇન્દોરમાં જન્મેલાં મંજુબહેન સંપન્ન પરિવારનાં. આઠ વર્ષની વયે મમ્મી ગુજરી ગયેલાં અને પતિનું મૃત્યુ પણ નાની વયે થયું. મુંબઈ યુનિવર્સિટીમાંથી એમબીએ અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી બૉસ્ટન જઈને એક્ઝિક્યુટિવ મૅનેજમેન્ટ પ્રોગ્રામ ભણીને આવેલી મંજુએ ધીકતી કમાણીવાળી જૉબ છોડી દીધી અને ‘અપને આપ વિમેન્સ કલેક્ટિવ’ જૉઇન કેમ કર્યું એની વાત કરતાં મંજુબહેન કહે છે, ‘મને ખબર હતી કે મારી જૉબ મને ભૌતિક સુખ આપશે પણ આત્માને સુખ અને શાંતિ ત્યારે જ મળશે જ્યારે હું આ સ્ત્રીઓ માટે કંઈ કરી શકીશ.’ 


વિશ્વાસ જીત્યો 

પ્રોસ્ટિટ્યુશન આપણે ત્યાં ગેરકાનૂની છે પરંતુ આ એ ક્રિમિનલ ઑફેન્સ ગણાતો નથી. એટલે જ નથી સમાજ કે નથી કાનૂન આ સ્ત્રીઓ કે એનાં બાળકોનું રક્ષણ કરી શકતા. મંજુને સમજાતું હતું કે આ સ્ત્રીઓની મનઃસ્થિતિ કેવી છે. આ સ્ત્રીઓને અહીં વેચીને જતા રહેલા લોકો એના પોતાના જ હોય છે. એવા લોકો જેના પર એ કોઈ સમયે આંધળો વિશ્વાસ કરતી હતી. આ અવસ્થાએ એના મન પર કેવા ઘાવ છોડ્યા હશે. આ સ્ત્રીઓ ઝટ દઈને કોઈના પર વિશ્વાસ કરતી નથી હોતી. એમના માટે તમે ભલું વિચારો છો એવો વિશ્વાસ જીતવામાં ધીરજ જોઈએ છે, જે મંજુબહેને કેળવી અને ધીમે-ધીમે એ મહિલાઓને પણ સમજાયું કે આ વ્યક્તિ અમારું ભલું કરવા માગે છે. 


અઘરું જીવન 

અપને આપ વિમેન્સ કલેક્ટિવ’ મુંબઈમાં ખેતવાડી, કામાઠીપુરા અને તુર્બા રેડ લાઇટ એરિયામાં કાર્યરત છે. અહીં સ્ત્રીઓને એઇડ્સ અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ થાય છે જેની કોઈ જાગૃતિ તેમનામાં હોતી નથી. સૌથી પહેલાં રોગનો ભોગ બનેલી સ્ત્રીઓનો ઇલાજ મંજુબહેનની સંસ્થા દ્વારા થયો. આ સ્ત્રીઓ ભાગી ન જાય અને ઘરાકને વધુ હેરાન ન કરે એટલે શરૂમાં તેમને ડ્રગ્સ આપવામાં આવે જે પાછળ જતાં બંધાણમાં પરિણમે છે. આ દુનિયામાંથી બહાર નીકળવું મુશ્કેલ કેમ હોય છે એનું કારણ જણાવતાં તેઓ કહે છે, ‘આ સ્ત્રીઓને એમના ઘરના લોકો સ્વીકારતા નથી. જે પૈસા દઈને એમને વેચવામાં આવી હોય એટલા પૈસા તેમણે કોઠાવાળી બાઈને કમાઈ આપવા પડે છે. એના સિવાયના એના જેટલા પણ ખર્ચા થાય એ બધું એમાં જોડાતું જાય છે. જ્યારે એ ચુકવણું થઈ જાય ત્યારે એટલું મોડું થઈ ગયું હોય છે કે એ એની બહાર નીકળી શકતી નથી.’ 


બદલાવ 


આ સ્ત્રીઓને એમના મૂળભૂત અધિકારો, બેઝિક ભણતર, પૈસા વિશેની સમજ અને જરૂરી સ્કિલ્સ જેવી બેઝિક બાબતો શીખવવાનું શરૂ કર્યું ત્યારે મંજુબહેનને કેટલીક સ્ત્રીઓ એવી મળી જે સેક્સવર્કરના કૂંડાળામાંથી બહાર આવીને સારું જીવન જીવવા માગતી હતી. મંજુબહેને તેમને એમાં કઈ રીતે મદદ કરી એ વિશે મંજુબહેન કહે છે, ‘ખાલી એમાંથી બહાર નીકળી જવું એ કોઈ સોલ્યુશન નહોતું. એમને પહેલાં શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ કરવાની હતી. એમનાં બૅન્ક-અકાઉન્ટ ખોલ્યાં, સરકારી કાગળો બનાવડાવ્યા, ભણાવી, બહારની દુનિયાની સમજ આપી જેવાં નાના-નાના પગલે એમને સશક્ત બનાવી. એ પછી એમને વોકેશનલ ટ્રેઇનિંગ અપાવી જેથી તેઓ અન્ય કામ કરીને એમાં ટકી રહી શકે. તાલીમને કારણે કોઈ બ્યુટિશ્યન બની, તો કોઈએ ટેલરિંગ અને એમ્બ્રૉઇડરી શીખ્યું અને પોતાનું કામ શરૂ કર્યું.


દીકરીઓનું ભણતર 


ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મમાં જેમ  પ્રોસ્ટિટ્યુટ્સના બાળકોના સ્કૂલ જવાના હક માટે ગંગુબાઈ લડે છે. એમ મંજુબહેને પણ એ માટે અથાગ પ્રયત્નો કર્યા છે. કોઠામાં જન્મતી દીકરીઓને તો આ જ ધંધામાં બેસાડવાની પેરવી કરવામાં આવે છે. આવું ન થાય એ માટે મંજુબહેન અને તેમની સંસ્થાએ માર્ગદર્શકનું કામ કર્યું. આ છોકરીઓના મેન્ટલ અને ફિઝિકલ હેલ્થકૅર, ડાયટ, ભણતર, કાઉન્સેલિંગ, કરીઅર ઑપ્શન અને બીજી જગ્યાએ એમને સ્થાપિત કરવા માટે પ્રોજેક્ટ હાથ ધર્યો જેના પરિણામ વિશે વાત કરતાં મંજુ વ્યાસ કહે છે, ‘અમે સેક્સવર્કર્સની દીકરીઓને ભણાવી, કાબેલ બનાવી અને પગભર પણ કરી. આજે એમાંથી કોઈ દીકરીએ કેટરિંગ કૉલેજમાં ડિગ્રી મેળવી અને ફાઇવ સ્ટાર હોટેલમાં શેફ છે, કોઈ હૉસ્પિટલના ઑન્કોલૉજી ડિપાર્ટમેન્ટમાં નર્સનું કામ કરે છે, કોઈ માસ્ટર્સ ડિગ્રી કરી ફાઇનૅન્શિયલ ઍનૅલિસ્ટનું કામ કરે છે અને કેટલીક દીકરીઓ પોલૅન્ડ અને સ્વીડન જેવાં શહેરોમાં સ્ટેજ પર્ફોર્મન્સ પણ કરી આવી.’


સૌથી મોટી સફળતા 


ઘણી દીકરીઓ જે આર્થિક રીતે પગભર બની તેણે ખુદ પોતાની માને પ્રોસ્ટિટ્યુશનમાંથી મુક્તિ અપાવડાવી અને એમને વધુ માનસભર જીવન પ્રદાન કર્યું એટલું જ નહીં, આ છોકરીઓએ પોતાનાં નાનાં ભાઈ-બહેનના ભણતરનો પણ સંપૂર્ણ ભાર પણ પોતે લઈ લીધો. છેલ્લાં ૧૦ વર્ષથી મંજુ વ્યાસ હેઠળ રહેલી એક પણ વેશ્યાની દીકરી વેશ્યાવૃત્તિ તરફ ગઈ નથી. ઊલટું એણે પોતાની એક સુંદર દુનિયા બનાવી છે જે મંજુ વ્યાસની સૌથી મોટી ઉપલબ્ધિ ગણી શકાય. એ બાબતે ખૂબ જ ઇમોશનલ થઈને તેઓ કહે છે, ‘આ દીકરીઓને માઓ જ્યારે કહે છે કે એમને જન્મ ભલે અમે આપ્યો હોય પરંતુ એમને જીવન આપવાનું કામ તમે કર્યું છે ત્યારે મને લાગે છે કે આ છોકરીઓને પોતાના બાળકની જેમ જ ઉછેરવાની મારી લાગણી એમના સુધી પણ પહોંચી છે.’

 

અઘરું કામ 
રેડ લાઇટ એરિયામાં જઈને ત્યાંના હિંસક લોકો સામે નીડર બનવાનું અને એ સેક્સવર્કરોને મળીને એના ઉદ્ધારની વાત કરવાની, માફિયાનો ભય હોવા છતાં તેમને બહારની દુનિયા બતાવવાનું સાહસ ક્યાંથી એકઠું કર્યું? એના જવાબમાં મંજુબહેન નિખાલસતાથી કહે છે, ‘તકલીફ તો ઘણી પડી. ઘણી વાર વિચાર્યું કે છોડી દઉં. પણ પછી લાગ્યું કે હું છોડી દઈશ તો આ સ્ત્રીઓનું અને એમનાં બાળકોનું શું થશે? એમનું વિચારીને જ ક્યારેય આ કામ છોડી ન શકી. મને લાગે છે કે એ મારી ફરજ છે, જે હું છેક સુધી નિભાવીશ.’ 

છેલ્લાં ૨૩ વર્ષથી ૩૨૦૦ સેક્સવર્કર્સના જીવનને બહેતર બનાવવાનો પ્રયાસ અને તેમની ૮૦૦થી પણ વધુ દીકરીઓ આ ધંધામાં ન પડે એ માટેના ભગીરથ પ્રયાસને એક સલામ 

 


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ડૉક્ટર બનવા યુક્રેન અને રશિયા કેમ જવું પડે છે?

  હાલમાં ચાલી રહેલા યુદ્ધના માહોલમાં મેડિસિનનું ભણવા ગયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓને પાછા લાવવાનું મિશન જોરશોરથી ચાલી રહ્યું છે ત્યારે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે કેમ હજારો યુવાનો માટે યુક્રેન , રશિયા , કઝાખસ્તાન , ફિલિપીન્સ અને બેલારૂસ જેવા દેશો ડૉક્ટર બનવાનું સપનું પૂરું કરવાનાં ધામ છે.   યુક્રેનના વિદ્યાર્થીઓને માઇનસ ત્રણ ડિગ્રીમાં રોડ પર ઠૂંઠવાતા અને યુક્રેનના પોલીસ કર્મચારીઓ દ્વારા માર ખાતા જોઈને ભલભલા માતા-પિતા વિચારમાં પડી જાય કે આવા દેશમાં પોતાનાં દીકરા-દીકરીને ભણવા મોકલવાં કે નહીં. યુક્રેન , રશિયા , કઝાખસ્તાન , ફિલિપીન્સ , બેલારૂસ જેવા દેશોમાં ભારતના હજારો યુવાનો ડૉક્ટર બનવા માટે જાય છે. એવાં કયાં કારણો હશે કે ભારતથી ફક્ત મેડિસિન ભણવા માટે આ યુવાનો ૬ વર્ષ માટે ત્યાં શિફ્ટ થાય છે ? એવું તો શું છે યુક્રેન , રશિયા જેવાં દેશોમાં કે ત્યાં યુવાનો તેમનું ડૉક્ટર બનવાનું સપનું પૂરું કરવા જાય છે ?  ડૉક્ટર બનવાનું સપનું   પહેલો પ્રૉબ્લેમ છે ડૉક્ટર બનવાનું ઘેલું. ભારતમાં આજે પણ ઘણા માતા-પિતા તેમના સંતાનને ડૉક્ટર જ બનાવવા માગે છે. બીજા પ્રોફેશન્સ કે કરીઅર ઑપ્શન વિશે...

પશુઓ માટે હું અવાજ ઉઠાવીશ

  એવું કહેનારી ફોર્ટની સ્નેહા વિસરિયાએ પ્રાણીઓ સામે થતા અન્યાય વિરુદ્ધ અનેક ફરિયાદો કરી છે. દોઢસોથી વધુ પ્રાણીઓને ખવડાવવા માટે રાતના દસથી એક-બે વાગ્યા સુધી ફોર્ટમાં ઘૂમતી સ્નેહા ઘાયલ પ્રાણીઓની સારવાર કરવા ને રેસ્ક્યુ કરવા માટે ખડેપગે રહે છે.   ‘ તમે સામાન્ય જીવન જીવતા હો પરંતુ જીવન તમને કઈ દિશામાં લઈ જાય છે અને તમને એ સમજાય કે ખરા અર્થમાં તમે શું કરવા માગો છો એનું નામ જ સંજોગ. હું નસીબદાર છું કે જીવને આવો સંજોગ મારા માટે જન્માવ્યો અને મને સમજાયું કે હું મૂંગાં પશુઓ માટે કંઈક નહીં , ઘણુંબધું કરવા માગું છું.’   આ શબ્દો છે વીટી રોડ પાસે રહેતી ૩૭ વર્ષની સ્નેહા વિસરિયાના જે દરરોજ ફોર્ટ વિસ્તારમાં રાત્રે ૧૦થી લગભગ એક વાગ્યા સુધી મૂંગાં પશુઓને ભોજન આપવાનું કામ કરે છે. છેલ્લાં બે વર્ષથી એ લગભગ શેરીમાં રખડતા ૬૦ કૂતરાઓ અને ૧૦૦થી પણ વધુ બિલાડીઓને ખવડાવે છે. આ સિવાય પ્રેગ્નન્ટ પ્રાણીઓની કાળજી , એમનાં જન્મેલાં બચ્ચાંનું અડૉપ્શન , ઘાયલ થયેલાં પ્રાણીઓની સારવાર અને દેખરેખ , પ્રાણીઓ અને પક્ષીઓને રેસ્ક્યુ કરવાં , પ્રાણીઓ પર થતા અન્યાય સામે કાનૂની લડત માટે પોલીસ સ્ટેશનમાં ચક્કર કાપવામાં...

જૂની લાઇબ્રેરીઓને સાચવવાની જહેમત

  આજના ઇન્ટરનેટના જમાનામાં જ્યાં લાઇબ્રેરીઓ તરફ લોકોને રસ ઘટતો જાય છે ત્યારે ફન્ડના અભાવને કારણે ખખડી ગયેલી લાઇબ્રેરીઓને ટકાવવાનો સંઘર્ષ કરવો પડે એમ છે. મુંબઈમાં જ્યાં ૧૦૦-૨૦૦ વર્ષ જૂની લાઇબ્રેરીઓ છે ત્યાં એનાં હેરિટેજ બિલ્ડિંગ અને જૂનાં પુસ્તકોને સાચવવા માટેની જદ્દોજહદનો એક અલગ જ જંગ છે. આજે જાણીએ મુંબઈની જૂની લાઇબ્રેરીઓના પ્રશ્નો અને એમના પ્રયાસો વિશે થોડા દિવસ પહેલાં જ સમાચાર આવેલા કે મુંબઈ યુનિવર્સિટીના કાલિના કૅમ્પસમાં આવેલી જવાહરલાલ નેહરુ લાઇબ્રેરી ખરાબ પરિસ્થિતિમાં છે. એના બિલ્ડિંગમાં રિપેરકામની સખત   જરૂરિયાત છે. લાઇબ્રેરીની બુક્સ અને રિસર્ચ પેપર જુદા-જુદા કૉર્નર્સમાં ખૂબ ખરાબ અવસ્થામાં પડ્યાં છે જેમાંથી કેટલાકને તો ઊધઈ ખાઈ રહી છે. યુનિવર્સિટીની લાઇબ્રેરી માટે નવું બિલ્ડિંગ છેલ્લાં ૪ વર્ષથી તૈયાર હોવા છતાં ત્યાં શિફ્ટ થવાના કોઈ આસાર હજી સુધી દેખાયા નથી. કોરોનાકાળ પછી હવે જ્યારે કૉલેજો બરાબર ખૂલી ગઈ છે ત્યારે વિદ્યાર્થીઓ વધુ માત્રામાં લાઇબ્રેરીમાં આવી રહ્યા છે અને લાઇબ્રેરીની આ ખસ્તા હાલત એમની સુરક્ષા અને સુવિધા પર પણ સવાલ ઉઠાવે છે. તિરાડવાળી દીવાલો , પડું-પડું થતી ...